13/09/2026
MISSION DIVERTED....
આજે લીલવણીયા મહાદેવ જવાનુ પ્લાન કર્યું હતું. શ્રાવણ પુરો થયો એટલે મહાદેવ ફ્રી હોય એ ગણતરીથી, પણ આગલા દિવસે ખબર પડી કે આજે કેવડા ત્રીજ છે. પત્ની પાણી પણ પીધા વગર આપણાં આયુષ્ય માટે ઉપવાસ કરતી હોય તો આપણી પણ ફરજ બને ને...
એટલે 25 km ની ટુંકી ride કરીને વડાગામ, ધૂળેટા થઈને ઝલાઈનું તળાવ જોવા પહોંચ્યો. અંબાજી જવાવાળા પદયાત્રીઓના સંઘ ચાલુ થઈ ગયા છે એટલે આખો રસ્તો live હતો. લીમડીયા આગળ રાજુભાઈ મળી ગયા. સાયકલ ઉપર ફેરી કરીને ગામડામાં સામાન વેચવાવાળા હિંદીભાષી ફેરિયાઓનો લગભગ છેલ્લો પ્રતિનિધિ એટલે રાજુભાઈ. વર્ષોથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશથી આવેલા આ મહેનતુ લોકો લીમડીયાને base બનાવીને સાયકલ ઉપર આજુબાજુના ગામડાંમાં સામાન વેચતા હોય છે. વર્ષોથી બધાજ અમારા ગ્રાહક. હવે લગભગ બધા બાઇક પર ચઢી ગયા છે પણ રાજુભાઈ હજી સાયકલ પરજ છે. આટલી ગરમીમાં આટલો સામાન લઈને સાયકલ ખેંચવાવાળા રાજુભાઈને સલામ કરીને આગળ વધ્યો.
વડાગામ ચોકડીથી હાઈવેનો ટ્રાફિક અને પદયાત્રીઓનો સંગાથ છૂટયા. ધુળેટાથી જમણી બાજુ વળતાંજ ગીચ જંગલ અને ડુંગરા શરૂ થઈ ગયા. છેલ્લા એક કિલોમીટર કાચા રસ્તે સાયકલ દોરીને તળાવે પહોંચ્યો. ત્રણેય તરફ ડુંગરોથી ઘેરાયેલા તળાવને એક બાજુ પાળ બનાવીને બનાવવામાં આવ્યું છે. એક નાના ડેમ જેવુ.આવા નાના ડેમ, કોયડેમ અને ઝાંઝરીમાં મે જોયા છે. આ ત્રીજો ડેમ. બીજે ક્યાંક હોય તો જણાવજો. ફોટા પાડીને પાછા એજ રસ્તે ઘરે.
વચ્ચે રસ્તામાં પંચાલ સમાજના પ્રમુખ અરુણભાઈ પંચાલ મળી ગયા. એમણે ગાડી ઉભી રાખીને, નીચે ઉતરીને ખાસ્સી વાર વાતો કરી.
પાછા ફરતી વખતે કેવડા ત્રીજની પૂજા માટે લીલી વનસ્પતિ તોડી લાવ્યો.